Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

આપણા કહેવત સાહિત્યમાં કેટલી કહેવતો એવી જણાઈ છે કે જે પરદેશી છે તો પણ તે આપણા સમાજમાં, વ્યવહારમાં સારી રીતે પ્રચલિત છે. એમાંની કેટલીક કહેવતો તો ખાસ તરૂણયુવાન સમુદાયે અપનાવેલી છે અને તેને કોઈ જાતિસમાજ કે વાડો પણ સ્પર્શી શક્યો નથી. આવી કહેવતોમાં એક કહેવત મુખ્ય છે અને તે છે Forget-me-not ફરગેટમીનોટમને ભૂલી ન જશો. મને ભૂલશો નહિ. ભૂલિયોના……

યુવાન મિત્રોપ્રેમી હૈયાઓપતિપત્નીસ્વજનોમિત્રોસ્નેહીઓ દરેકનું અંત:કરણ ઝંખી રહ્યું હોય છે ફરગેટમીનોટ અને આ ભાવના તે દૃઢપણે પોતાના પત્રવ્યવહારમાં અંકિત પણ કરે છે. યુવાન પ્રેમીઓને માટે તો આકર્ષક રંગરૂપમાં છપાયેલાં ફરગેટ મી નોટના લેટર પેડ પણ આજે મળી શકે છે. આ સૂક્તિવાળા રંગીન કવરો પણ વેચાય છે જ. ફરગેટ મી નોટએ શું છે. આ કહેવતની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેનાથી ઘણા અજાણ છે. એની ઉત્પત્તિની કથા રસિક છે પણ કરૂણ છે. એમાં સ્વાર્પણ છે, બલિદાન છે.

જર્મનીની આ વાર્તા છે

પ્રેમી અને પ્રેમિકા

એક સૈનિક પોતાની વાગદત્તા યુવતીની સાથે ફરી રહ્યો હતો. લાંબા સમયના યુદ્ધ પછી વિગ્રહ બંધ પડ્યો હતો. સૈનિકો પોતાના વતનમાં આરામમોજ માટે આવી રહ્યા હતા. વાતાવરણમાં આનંદ હતોઉલ્લાસ હતોપ્રિયજનોના મિલન માટેનો ટળવળાટ પણ હતો.

મને એ ફૂલો લાવી આપો

આવા ઉલ્લાસમય વાતાવરણમાં એ સૈનિક યુવાન પોતાની ભાવિ પત્નીની સાથે હરતો ફરતો પ્રણયચેષ્ટા કરતો કરતો ડેન્યુબ નદીને તીરે આવી ચઢ્યો. આભમાંથી રેલાતી ચાંદનીનો પ્રકાશ ડેન્યુબના જળને રૂપેરી પટથી સોહાવી રહ્યો હતો. સમીરની મંદ મંદ લહરીઓ એ જળને અને વાતાવરણને વધુ આલ્હાદક બનાવી રહી હતી. આવા સમયે ડેન્યુબમાં ઉગેલાં નીલા રંગના ફૂલો જોઈ સૈનિકની પ્રેમિકાનું મન તેના પ્રતિ આકર્ષાયું. તેણે પોતાના પ્રેમી પતિને કહ્યું, ‘પ્રિયે ! પેલા પુષ્પો કેવા મદભરી રીતે ડોલી રહ્યા છે? અહા ! એની મઘમઘતી સુવાસથી ભરેલી આ લહરીઓ મારા અંતરને વલોવી રહી છે. મારે એ ફૂલોનો ગુચ્છો જોઈએ છે.’ મારા વાળના ઝુમખામાં એને બાંધવો છે…..’

ખુશીથી…..ડાર્લિંગ ! આ લાવ્યો…..’ કહેતાંની સાથે જ યુવાને ડેન્યુબમાં ઝંપલાવ્યું. ફૂલો હતાં નદીની મધ્યમાં. તરીને જવું પડે. પણ યુવાન તો સૈનિક હતો. હુકમ મળતાંની સાથે જ તેણે તો નદીના ગાઢા જળમાં તરવા માંડ્યું.

ફૂલો પવનથી લહેરાઈ રહ્યાં હતાં. યુવાને ઝડપથી તેની સમીપ જઈ એક ઝુમખો હાથમાં પકડી લીધો. એ લઈને તે પાછો વળ્યો. કિનારા તરફ……

લે….આ ફૂલો પણ ફરગેટમીનોટ…..’

પણ આ અવળું વહેણ…..પાણીનો જોશ પણ આકસ્મિક વધી ગયો. કિનારો દેખાઈ રહ્યો હતો. પોતાની પ્રિયા પણ હર્ષઘેલી ઊભેલી દેખાતી હતી, પણ પાણીના વમળમાં યુવાન તો એવો ફસાઈ ગયો કે, કિનારો હાથવેંતમાં હોવા છતાં પણ તે કિનારો પકડી શક્યો નહિ. એના દેહ પર બખ્તર પણ હતું. આ ભારે બખ્તર તેની સામે કાળ બનીને ઊભું રહ્યું. વમળમાં સપડાતાં તે ઉપર આવી શક્યો નહિ અને અંદર જ ખેંચાવા લાગ્યો.

યુવાને જોયું કે તેને માટે હવે કિનારે પહોંચવું અશક્ય છે. એટલે તેણે જોરથી હાથમાંના પુષ્પોના ઝુમખાને કિનારા પર ફેંક્યા અને બની શકે એટલા જોરથી પોકાર્યું ફરગેટ મી નોટ‘ ‘મને ભૂલી ન જશો…..’

અને યુવાન પાણીમાં ગરક થઈ ગયો.

એ દિવસથી આ પુષ્પોને ફરગેટ મી નોટના નામથી ઓળખવામાં આવે છે.

કવિઓનું માનીતું ફૂલ

આ ફૂલો જર્મનીમાં જ નહિ. ફ્રાન્સમાં તથા ઈતર દેશોમાં પણ થાય છે. કહે છે કે વોટર્લુના ખૂનખાર જંગ પછી લોહીથી ખરડાયેલી ભૂમિ પર આ ફૂલો મોટા પ્રમાણમાં ઊગી નીકળ્યાં હતાં. સૈનિકોની શહાદત પોકારતાં એ ફૂલો કહી રહ્યાં હતાં. ‘ફરગેટ મી નોટ….’

વહાલાઓની કબરો પર, શહીદોના સ્મારક ચિન્હો પર આ ફૂલો ઉગાડવાની પ્રથા યુરોપના કેટલાક દેશોમાં હજુ આજે પણ છે.

આ ફૂલ ફરગેટમીનોટના મૂળ જમીનમાં પથરાય છે. નદી સરોવરમાં એ મુખ્યત્વે થાય છે. છ થી અઢાર ઈંચ જેટલો ઊંચો એનો છોડ હોય છે. પાંદડાં પોપટી રંગના હોય છે. સુંદર નીલા રંગના આ ફૂલો આપણા કમળપોયણાંને મળતાં આવે છે. રંગમાં એ લીલા, ભુરા, શ્વેત પણ હોય છે. કવિઓનું આ માનીતું પુષ્પ છે. એના પર અનેક કાવ્યો લખાયાં છે. નાટકો પણ રચાયાં છે.

એક બીજી લોકકથા

આ ફૂલો અંગેની બીજી એક લોકકથા પણ પ્રચલિત છે. આ કથાને પરીકથા પણ કહી શકાય. આ કથા ફરગેટ મી નોટસાથે સીધો સંબંધ ધરાવતી નથી. પણ એ જાદુઈ ફૂલની કથા છે અને તેનો સંદેશ છે, ફરગેટ મી નોટમને ભૂલી ન જાતો…..

એક ભરવાડ પણ નદીના કાંઠે પાણી પીવા આવ્યો. પાણી પીતાં પીતાં નદીમાં ઉગેલા રંગબેરંગી ફૂલો જોઈ તેનું મન લોભાયું. તેણે નદીમાં ઝંપલાવ્યું અને એ સુગંધી પુષ્પોના ઝુમખાને લઈને તે કિનારે આવ્યો.

ફૂલોને લઈને એણે પોતાનો માર્ગ કાપવા માંડ્યો. થોડુંક ચાલતાં એ થાકી ગયો. ફૂલોની સુગંધે પણ તેના મન પર ઘેનની અસર જન્માવી…..એ એક શિલા પર આરામ માટે બેઠો.

શિલા ખસીભોંયરૂં દેખાયું

બેઠો ન બેઠો ત્યાં તો પત્થરની શિલા ખસતી દેખાઈ. ભરવાડે જોયું તો સામે જ એક માર્ગ દેખાયો. ભોંયરાના એ માર્ગે જવા પગથિયા પણ હતા. ભરવાડ નવાઈ પામી ગયો. તે ધીરે ધીરે એ પગથિયાં ઉતરવા લાગ્યો.

અંદર ઊંડાણમાં જતાં તેણે ઝગમગતા પ્રકાશમાં એક સ્ત્રીની મૂર્તિને જોઈ. એ મૂર્તિ પાસે આવ્યો કે તરત જ એક સંગીતમય સ્વર આવ્યો, ‘આપ આવ્યા? ભલે પધારો…..આ ભંડારમાંથી જે જોઈએ તે લઈ લ્યો……’

જે જોઈએ તે લઈ લ્યો

પણ ભરવાડ તો આ નવાઈ જેવું જોઈને જ દિગ્મૂઢ બની ગયો. એ પૂતળાની જેમ ઊભો રહી ગયો. ફરી તેને કાને અવાજ સંભળાયો. આપ આવ્યા…..? ભલે પધારો…. આ ભંડારમાંથી જે જોઈએ તે લઈ લ્યો…..’

ભરવાડે આમ તેમ જોયું તો કિંમતી રત્નોના ઢગલા દેખાયા. હીરા, મોતી, માણેકનો પાર નહોતો. ભરવાડ ત્રીજા ઓરડામાં આવ્યો.

અહીં ત્રણ ચાર ધાતુઓની પ્રતિમાને તેણે પોતાની તરફ જોતી જોઈ. ઝગમગતા પ્રકાશમાં તેણે જોયું તો એમાંની એક મૂર્તિ જરા ફરી અને પછી મધુરો અવાજ સંભળાયો. ‘ભલે આવ્યા…..આ ભંડારમાંથી જોઈએ તે લઈ જાવ…..’

કંઈ ભૂલાય નહિ

ભરવાડ આ વખતે પોતાનું મન કાબુમાં રાખી શક્યો નહિ. તેણે હીરા, મોતી, માણેક જેટલા ખોબામાં આવે એટલા લઈ પોતાના ગજવા ભરવા માંડ્યા. ગજવા ભરાયા એટલે રત્નોને હેટમાં ભર્યા. પછી જોડામાં પણ ભર્યા અને તેણે ઓરડામાં જ આગળ વધવા માંડ્યું.

હજુ જોઈએ તો લઈ લો…..પણ કંઈ ભૂલાય નહિ તે ખાસ જોશો…..’

કંઈ ભૂલાવાનું નથી….’ ભરવાડ બબડ્યો અને પછી એક મોટા હીરાને તેણે ઊંચકી ગજવામાં તેને સમાવી દીધો.

બસ હવે જવું જ જોઈએ. ખૂબ લીધું. હવે વધુ માટે જગ્યા નથી.’ આમ મનમાં બોલી ભરવાડે પાછા પગલાં ભર્યાં.

ભલે જાવપણ કોઈ અગત્યની ચીજ ભૂલાઈ જાય નહિ તેની સાવચેતી રાખજો…..’

સાવચેતી રાખી જ છે….’ ભરવાડ બબડ્યો. અને તે શિલા પાસે આવવા લાગ્યો.

અવાજ આવ્યો, ‘કંઈ ભૂલી ન જવાય તેની સાવચેતી રાખજો….’

ભરવાડ હવે બહાર નીકળવા અધીરો બન્યો. તે ઝટ શિલા આગળ આવ્યો. અને ફટ દેતો ઉપર ચઢી ગયો.

મને ભૂલી જતો નહિ.’

શિલા બંધ થઈ ગઈ…..અવાજ બંધ ન થયો. એક મધુરો ટહુકો આવ્યો – ‘મને ભૂલી જતો નહિ.’

ભરવાડ નવાઈ પામી ગયો. આમ તેમ જોયું પણ કોઈ જ દેખાયું નહિ.

મને ભૂલી જતો નહિ.’ ફરી અવાજ આવ્યો. એ અવાજ શિલાની અંદરથી આવી રહ્યો હતો.

તું કોણ છે?’ ભરવાડે નવાઈની સાથે પૂછ્યું.

હું પેલું મધુરું પુષ્પ છું. મારી સુગંધની અસરથી જ શિલા ઉઘડી હતી અને તું ગુફામાં જઈ શક્યો હતો. હવે તું તો મને ગુફામાં જ ભૂલીને આવ્યો છે. શિલા ફરી ઉઘડી શકે એમ નથી…..હવે એ બંધ જ રહેશે….

હવે ભરવાડને ગુફામાં સંભળાએલા શબ્દોનું રહસ્ય સમજાયું. ‘કંઈ ભૂલાય નહિ તે ખાસ જોશો.’ એને ભૂલ માટે પસ્તાવો થવા માંડ્યો.

ત્યાં જ એના મને કહ્યું – ‘ગભરાવાની જરૂર નથી નદીમાંથી બીજા પુષ્પો લઈ આવીશ અને શિલા ઉઘડી જશે…..’

ત્યાં જ પાછો અવાજ આવ્યો – ‘મારા જેવા બીજા પુષ્પો તને ઘણાં મળી આવશે. પણ હું તે હું જ છું. હું જાદુઈ ફૂલ હતું અને તેથી જ મારી સુગંધ શીલાને સ્પર્શી શકતી હતી. હવે આવું બીજું ફૂલ કોઈ જ નથી….મને ભૂલી જતો નહિ….ફરગેટ મી નોટ…..’

અને ભરવાડના પસ્તાવાનો પાર ન રહ્યો. એ પસ્તાવાને ભૂલવા તેણે એ પુષ્પની જાતને ફરગેટમીનોટ.’ તરીકે ઓળખવા માંડી. આમ એનું નામ રહ્યું. ‘ફરગેટમીનોટ…..’

ફરગેટમીનોટની વાત ભલે વિદેશી રહી પણ આપણા સંસ્કૃત કાવ્યોમાં પણ તેનો અણસારો છે જ. કવિ બિલ્હણના ચૌરપંચાશિકાકાવ્યમાં રાજકુંવરીની સાથે પ્રેમ કરવાના અપરાધમાં દાસીની સજા પામેલો યુવાન કવિ ફાંસીના માંચડે જતાં પ્રત્યેક પગથિયે એક એક પંક્તિ બોલે છે. એમાં કુંવરીની સાથે કરેલી પ્રેમલીલાસંવનની મધુર વાતોને વર્ણવે છે. ‘હજુ પણ હું એ ભૂલ્યો નથી.’ આ શરૂઆત સાથેની તેની એ પંક્તિઓ તે જ ચૌરપંચાશિકા.’ આપણું અમરપ્રેમ કાવ્ય. ‘ફરગેટમીનોટનો અમર ધ્વનિ એમાં પણ ગૂંજે છે જ.

Source : Book Name : shri bruhad kahveat katha sagar (Story No.-94)

One Response to “કહેવતકથા : ફરગેટ – મી – નોટ” »

  1. Comment by ravi — June 26, 2013 @ 4:11 am

    maja avi.
    kahevat katha mukva badal abhar

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment