Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

આકરુ ગામના ઊભા મારગે જતા ભલગામડા નામનું ડુંગળીના દડા જેવું ગામડું ગામ. ઈ ગામની માલીપા ઉગરચંદ નામનો વહેવારિયો વાણિયો રિયે. ઉગરચંદને પરણાવ્યા પછી એના બાપ વનેચંદ સ્વર્ગે સિધાવ્યા. આ વાતને પાંચ સાત વરસનાં વહાણાં વાયાં. ઘરમાં હુતોહુતી બે માણસ. શેઠ વેપારધંધે દેશદેશાવર ખેડે. વાણિયણ ઘરમાં એકલી અટૂલી. પેટ સંતાન ન મળે. ઈ તો બાપડી બાળક માટે ઝંખે છે. પથ્થર એટલા દેવ ગણીને પૂજે છે. બ્રાહ્મણોને, સાધુબાવાઓને દાનદક્ષિણા દિયે છે પણ એની શેર માટીની ખોટ્ય પુરાતી નથી. એનો ખોળો ભરાતો નથી. ચાનકીનો માગનારછેડલાનો ઝાલનાર એનું આંગણું ખૂંદવા આવતો નથી. શેઠાણીને થાય છે કે શું કરું તો મારે આંગણે પગલીનો પાડનાર આવે? રૂપજોબનની ભરતી શેઠાણીના અંગ માથે ઊછળી રહી છે. શેઠિયો પાંચ દિઘેર્ય હોય તો પંદર દિમહિનો દેશાવર જાય. બાઈ મનમાં મૂંઝાય. એમાં શેઠાણીના ખબરઅંતર પૂછવા આવનારાઓમાંથી એક છેલબટાઉ જુવાનિયા જોડે શેઠાણીની આંખ લડી ગઈ. જુવાન દૂર દેશાવરથી સગાના નાતે આવતો. બેચાર દિરહેતો ને રંગરાગ મનાવીને ઊપડી જાતો. આ જુવાનિયો ય હતો રાજાના કુંવર જેવો રૂપાળો, પણ કાને પૂરું સાંભળતો નહીં. આથી શેઠાણી સાથેની એની સઘળી વાતો રાતવરતના પડોશીઓ રસપૂર્વક સાંભળતા.

પછી તો ગામમાં ચણભણ શરૂ થઈ ગઈ. શેઠ ઘેર આવ્યા ત્યારે બેચાર હિતેચ્છુઓએ શેઠને કીધુંય ખરું :

શેઠિયા ! તમે રળવા માટે ગામતરાં કરો છો પણ વાંહે તમારું ઘર ભેળાય છે. થોડુંક ધ્યાન આપો તો સારું નહીંતર સ્ત્રીની જાત છે. ‘રહે તો આપથી ને જાય તો સગા બાપથી.’ તમે નો હોવ ત્યારે ઘરમાં રંગરેલિયા ચાલે છે.’

તેજીને તો ભાઈ ટકોરો બસ છે. ઉગરચંદે વિચાર્યું કે આ મામલામાં કળથી કામ લેવું પડશે. વાણિયણને ઉઘાડી પાડવા જઈશ તો ગામ આખામાં ભવાડો થશે ને આબરૂનો ધજાગરો બંધાશે. ઉગરચંદે વેપાર અર્થે બહારગામ જવાનું બંધ કર્યું. શેઠ સાજાસમા સામા બેઠા હોય એટલે પ્રેમીહૈયાંને મળવાનું મુશ્કેલ બની ગયું. વાણિયણ પોતાના પ્રેમીને પળવારેય વીસરી શકતી નથી. ઘેર મળી શકાતું નથી. આથી એ રોજ સવારે ઊઠીને ભગવાનને પ્રાર્થના કરે છે કે, ‘હે ભોળિયા ભગવાન ! મેં સાચા દિલથી તને પૂજ્યા હોય તો ઉગરચંદ શેઠને આંધળા કરી દે.’ એણે આ માટે ગામના ગોરને બોલાવીને અનુષ્ઠાન આદરી દીધાં.

ઉગરચંદને વાતની ગંધ આવી ગઈ. એ ગમ ખાઈ ગયો. એને થયું કે આ વાત આટલી આગળ વધી ગઈ છે એટલે શિખામણથી કામ સરશે નહીં. શાણપણ દાખવ્યે જ છૂટકો છે. એણે વિચાર્યું કે આંધળા થવાનો ઢોંગ કરવો અને મામલો ક્યાં જાય છે તે ટાઢા કોઠે જોવું.

એવામાં બે દિવસ ગયા ને ત્રીજા દિવસે ઉગરચંદે આંખ્ય દુખવાની ને ઝાંખ્ય પડવાની ફરિયાદ કરી. સાચાંખોટાં ઓહડિયા વાટીને આંખ્યમાં ભરાવ્યાં ને પછી બેય આંખે કશું દેખાતું નથી, ધબોનારાયણ થઈ ગયાનું નાટક ચલાવ્યું. શેઠાણી ઉપરથી ઉચાટ કરવા મંડાણાં પણ અંતરમાં આનંદનો પાર રહ્યો નહીં. ઉગરચંદ આંધળો થયો એટલે પોતાના માર્ગનો કાંટો દૂર થઈ ગયો. ઉગરચંદે આંધળાનો પાઠ બરાબર ભજવ્યો.

ઘરવાળી સમજી કે ભગવાને મારી પ્રાર્થના સાંભળી. વાણિયાની આંખ્યુંનાં કોડિયાં ઓલવાઈ ગયાં છે.

પછી તો ભાઈ આ બાઈ અને બહેરા પ્રેમીને મોકળું મેદાન મળી ગયું. ઉગરચંદ પત્નીની લીલા સગી આંખે નિહાળતો, પણ અંધ થવાનો ડોળ કરીને ડાફરિયા મારતો. મનમાં ઘણોય સમસમી જતો ને વિચારતો કે લાગ આવે એટલે દીકરાને છઠ્ઠીનું ધાવણ ઓકાવી નો નાખું તો મારું નામ ઉગરચંદ નંઈ.

એવામાં ફાગણ સુદ પૂનમની હોળી આવી. તે દિવસે બહેરિયો પ્રેમી વાણિયણ સાથે રંગરેલિયા મનાવવા આવી પહોંચ્યો. બહેરો ઘરમાં આવ્યો. ઉગરચંદે સંતલસ મુજબ ગામના મહાજનને તેડું મોકલ્યું. જોતજોતામાં ગામમાંથી હુકમચંદ, જેચંદ, મૂળચંદ, રીખવચંદ, અનોપચંદ, લાલચંદ, રૂડચંદ, જયંતિલાલ, રસિકલાલ, રમણલાલ, ભૂરાલાલ, વગેરે ચંદે ચંદ અને લાલે લાલ શેઠિયાઓનો સમૂહ હાથમાં ધોતિયાના છેડા ઝાલી માથાની ટોપિયું ને પાઘડિયું સમીનમી કરતાં આવી પહોંચ્યા.

ચતુર શેઠાણીએ પોતાના પ્રેમીને લાકડાંની પટારીમાં પૂર્યો ને જડબેસલાક તાળું મારી દીધું. ઉગરચંદ ઓશરીના ખાટલે બેઠો બેઠો બધો ખેલ જોયા કરે છે. મહાજન આવતાં સૌનું સ્વાગત કરીને શેઠિયો બે હાથ જોડીને બોલ્યો :

આપ મહાજન દેવતા છો. મારા અંતરની એક વાત કહેવા તમને સૌને મારા આંગણે નોતર્યા છે. વાત જાણે એમ છે કે આઠેક મહિનાથી મારી આંખ્યુંની જ્યોત જાતી રહી છે. મને મારી નજર પાછી મળે એ માટે હું રોજ માતાજીની પૂજા આરાધના કરતો હતો. મારી પ્રાર્થનાથી પ્રસન્ન થયેલાં હોળીમાતાએ કાલે મને સોણા, (સ્વપ્ન)માં દેખા દઈને એટલું જ કીધું કે તારા ઘરમાં બાપદાદાવારની મોંઘામૂલની પટારી છે, ઈ આખેઆખી ઉપડાવીને કીમતી માલમિલકત સાથે હોળીમાતાને અર્પણ કરી દે તો તારો અંધાપો મટી જાય. માટે મારી આપને બધાને બે હાથ જોડીને અરજ એવી છે કે આપ મહાજન એટલે ભગવાન ગણાવ. આપ બધાના હસ્તે મારી આ પટારી હોળીમાં હોમવી છે.’

મહાજનના મોવડીઓએ એકી અવાજે આ વાણિયાની વાતને વધાવી લીધી. ઈના જેવું બીજું રૂડું શું? બપોર ઢળ્યા ને સાંજ પડી. આથમણી દિશામાં ભાતીગળ સંધ્યા ખીલી. ઉગરચંદ હોળીમાતાને વધાવવા જાય છે ને મૂલ્યવાન પટારી અકબંધ હોળીમાં પધરાવે છે. ઈ વાતની ખબર્ય પડતાં ગામેળું (આખું ગામ) ને પરગામના લોકોય ઉગરચંદના આંગણે હમચીડું ખૂંદવા મંડાણા. શેઠિયાનું ફળિયું માનવ મહેરામણથી હાંફવા લાગ્યું. ગામનો વહતો ઢોલી અને છગનો શરણાઈઓ પણ આપમેળે આવી પોગ્યા. ઘૈરૈયા હોળીના ફાગ બોલવા લાગ્યા :

કાળી ગધાડી ધોળું પેટ

ઉપર બેઠા શાંતિ શેઠ…’

ઢોલ, શરણાઈના અવાજ સાથે હોળી માતાની જયના નાદ કરતા, પૈડાંવાળી ભારે પટારીને રેડવતા રેડવતા સૌ ગામના પાદર જવા નીકળ્યા. વાણિયણને પેટમાં ફાળ પડી. હવે આટલાબધા મનેખની માલીપા ઈ કરેય શું? એને તો ચૂપ રહેવામાં જ શાણપણ લાગ્યું.

ઉગરચંદ શેઠે ગળામાં ફૂલની માળા ધારણ કરી છે. આગળ ઢોલ, શરણાઈવાળા છે. મોટા ઘૈરૈયા પટારી રેડવતા જાય છે. પટારીમાં પેઠેલા બહેરાને તો કશી ખબર નહોતી. સૌ શેઠની ધર્મભાવનાને વખાણતા વખાણતા પાદરમાં આવ્યા. લોકો વાતું કરતા હતા :

ઉગરચંદ હોળી માતાનો ખરો ભગત છે. માતજીએ સ્વપ્નામાં આવીને દર્શન દીધાં છે. એટલે તો કીમતી દર દાગીના ને ઝવેરાત ભરેલી પટારી હોળીમાને અર્પણ કરે છે. મલક આખામાં આવી ધર્મભાવના ક્યાંય ભાળી છે ? હોળી માતા પ્રગટ થઈને શેઠની આંખ્યુંના રતન પાછાં દેશે.’

ઘણા લોકો આવો ચમત્કાર જોવા લોલમાં લોલ કરવા લાગ્યા. સૌએ હોળી માતાની જય બોલાવી. ઘેરૈયાઓએ હોળીમાં પટારી મૂકી ને લાકડાંછાણાંનો મોટો ગંજ ખડકી દીધો. સૌ ફરતા વાધરી (ટોળે) વળીને જોવા લાગ્યા. શ્રદ્ધાળુ લોકો માંહોમાંહે વાતુંએ વળગ્યા.

આ પટારી નંઈ નંઈ તોયે પાનસો વરહ પુરાણી છે. એના ડાડાના ડાડાના ડાડા ઇનાય ડાડા ને વડડાડાના વખતની છે. મંઈ કોણ જાણે કેટલાય હીરા, માણેક, ઝરઝવેરાત, સોનામોરું ને સોનારૂપાના ઘરેણાં ને કીમતી વસ્ત્રો ભર્યાં હશે ! જુઓને એરુ કાંચળી ઉતારે એમ શેઠિયાએ માયાને મૂકી દીધી છે. આપણાથી એક ટંક ખાવાનુંય છોડાતું નથી.

ત્યાં બીજાએ ટાપશી પૂરી. ‘લાલો લાભ વગર્ય લોટે નંઈ. ઉગરચંદ અમથો હોળીમાને અર્પણ કરતો નથી. ઈને કોડાને આંખ્યું પાછી લેવી છે એટલે આ બધો તાયફો માંડ્યો છે, પણ નંદના ફંદ નંદ જ જાણે, બળિયા બાપજીને પાડો તાણેજેવો ઘાટ હતો. પટારીમાં પુરાયેલો બહેરિયો કશું સાંભળતો નહોતો અને શું થઈ રહ્યું છે તેની ગમ પડતી નહોતી. બહાર નીકળાય એવું રહ્યું નહોતું. ‘માયલા ગુણ મહાદેવજી જાણેગામના કશું નવ જાણે, શેઠાણીનો માહ્યલો મૂંઝાય છે. કોને જઈને કહે? શું મોઢું લઈને કહે ?

હો હો કરતા ને હોળી માતાની જય બોલાવતા સૌ ઘૈરૈયાઓએ હોળી પ્રગટાવી. લબકારા લેતી હોળીની જ્વાળાઓ આભે આંબી. રીડિયારણમાં બહેરિયાની બૂમોય કોઈએ સાંભળી નહીં. વાસના ભૂખ્યા વરુ જેવો બહેરિયો હોળીમાં બળી મૂઓ. શેઠિયાને થયું : હાશ ટાઢા પાણીએ ખસ ગઈ.’

પછી આંખ્યું ચોળી ચોતરફ જોઈને ઉગરચંદ આંખો મટમટાવતો આનંદથી કૂદવા લાગ્યો, ને કહેવા લાગ્યો.

હોળીમાએ મારી આંખ્યું પાછી આલી. હવે મને હંધુય દેખાય છે. જુઓ આ વનેચંદકાકા. આ નવનીત ભૈ, આ કાનો કોળી, આ રૂડી ફઈ, આ મગજી મા, આ વનુભૈનો બાબુડો.’

પછી તો સૌ વાજતેગાજતે ઘેર આવવા નીકળ્યા. માતાજીનો ચમત્કાર થતાં સૌ જયઅંબે‘, ‘જયઅંબેના નાદ કરવા લાગ્યા. ઉગરચંદ નાચતો જાય, કૂદતો જાય ને ગાતો જાય છે :

આંધળે બહેરું કૂટી બાળ્યું

ભૈ આંધળે બહેરું કૂટી બાળ્યું

આમ પોતાની પત્નીને કુછંદે ચડાવનારનો ચતુર વાણિયે સીફતપૂર્વક કાંટો કાઢી નાખ્યો. આંખ્યું પાછી મળી ઈના આનંદમાં વાણિયે આખું ગામ જમાડ્યું. વાણિયાની વાહ વાહ થઈ અને વાંહે ઈની કહેવત રહી.

Source : Book Name : lokjivanni kahevat katho (Story No.-10)

No Response to “કહેવતકથા – આંધળે બહેરું કૂટી બાળ્યું” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment