Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.


જૂના જમાનાથી આ વાત લોકકંઠે રમતી આવે છે. અમરેલી જિલ્લામાં વડિયા નામે નાનું એવું ગામ. ઈ ગામમાં શંભુ મહારાજ કરીને ગરીબ બ્રાહ્મણ રહે. બ્રાહ્મણ ઉપર ભગવાન રૂઠેલા એટલે વસ્તારવેલો પણ મોટો. ભાગ્યશાળીને ઘેર છ દીકરીયું ને ત્રણ દીકરા. વિધાત્રીએ કરમની રેખા જરીક અવળી પાડેલી એટલે ખોરડે અઢાર ગાડાં ભૂખ ભરી છે. ઘરમાં ખાવાપીવાનું ન મળે, તાવડી તડાકા લે. રંભોડી રાહડે રમે. રાંદલમા રોહડા સુધી આંટો મારી ગયેલાં, હનુમાન હડિયો કાઢે ને ભૂત ભૂસકા મારે. શંભુ મહારાજ રોજ ઊઠીને માગવા જાય. એને રોજ ત્રણ ગામ ફરવાં પડે.

ખાંડાવાવ, ખોખરી ને

વચમાં આવ્યું વડિયું,

ત્રણ ગામ માગે ત્યારે

લોટ થાય ગડિયું.”

આમ ગડિયું લોટ માગીને મહારાજ રોજ સવારસાંજ ગામથી ખેતરવા આઘેરેક આવેલ હનુમાનજીના મંદિરે જાય, દાદાને તેલ ચડાવે, હનુમાનચાલીસા બોલે ને દાદાને રીઝવે. આમ કરતાં કરતાં દસેક વરહ કાળના વહેણમાં ગડથોલાં ખાતાં ખાતાં વહી ગયાં. શંભુ મહારાજ ગરીબાઈથી ગળે આવી ગયેલા. એક દિવસ સવારમાં વહેલા ઊઠીને મહારાજ હનુમાન દાદાની દેરડીએ પહોંચ્યા. પૂજાપાઠ કરતાં કરતાં મોંસૂઝણું થઈ ગયું. પછી બે હાથ જોડીને દાદાના પગમાં આળોટી પડ્યા ને બોલ્યા:

હે બજરંગબલી! તારા ભરોસે આજ સુધી મારી નાવ ચાલી. દહેક વરહથી આશાનો માર્યો તમારી સેવાપૂજા કરું છું. સત્યયુગ જાવા બેઠો છે. લોકોનાં મન ટૂંકાં થઈ ગયાં છે, ત્રણ ગામ માગું છું ત્યારે ગડિયું લોટ માંડ માંડ મળે છે. કાલ્ય મોકમચંદ શેઠે મને નો કેવાનાં વેણ કીધાં. હવે તો માંગવું ને મરવું બેય હરખું છે. દાદા! એકવાર કૃપા કરો. આજલગીમાં મેં આશાના માર્યા દહેક મણ તેલ સડાવ્યું છે. મારા કુટુંબનું ભરણપોષણ થાય એટલી દિયા કરી દો નાથ‘.

બ્રાહ્મણ આમ દાદા આગળ આરઝુ કરે છે એવામાં મોકમચંદ શેઠ હાથમાં કળશ્યો લઈને પોટલિયે જવા નીકળ્યા. એમણે બ્રાહ્મણનો અવાજ સાંભળ્યો એટલે સડપદેતા દેરી ઢૂકડા પોગ્યા ત્યાં તો ગેબી અવાજ સંભળાણો:

હે ભક્ત! મૂંઝાઈશ મા. તારો કસોટીનો કાળ પૂરો થયો છે. હું તારા પર પ્રસન્ન થયો છું. કાલ્ય સાંજે સૂરજ મહારાજ મેર બેસે ઈ ટાંણે આવજે, હું તારું દળદર ફેડી દઈશ.’ એક હજાર રૂપિયા રોકડા આલીશ!’

અવાજ સાંભળીને બેબાકળા બનેલા બ્રાહ્મણે ચકળવકળ આંખે ચારેકોર્ય જોવા માંડ્યું ત્યાં અવાજ હવામાં ઓગળી ગયો ને બ્રાહ્મણના કાનમાં એના પડઘા પડતા રહ્યા બ્રાહ્મણ તો દાદાના પગમાં લાંબો થઈને આળોટી પડ્યો. પછી દેરીનું કમાડ વાસીને મહારાજ બહાર નીકળ્યા તો શેઠને ઉતાવળે ઉતાવળે પોટલિયે જવા જતા ભાળ્યા. શેઠે વિચાર્યું કે દેવે દીધેલ હજાર રૂપિયા આ બ્રાહ્મણ પાસેથી પડાવી લઉં તો જ હું ભૂરા શેઠનો મોકમચંદ સાચો.

ઘેર જઈને શંભુ મહારાજ નિત્યક્રમ મુજબ ગામમાં લોટ માગવા નીકળી પડ્યા. ઘરોઘર ને ખડકીએ ફરતા ફરતા મહારાજ મોકમચંદ શેઠના ફળિયે આવીને ઊભા:

પુણ્ય પરબડી, દયા પ્રભુની. આઠમને ઇતવારત્યાં તો મીઠું મીઠું મલકાઈને મોકમચંદ શેઠ બોલ્યા :

આવો મહારાજ આવો. ચ્યમ આજ મોડા?’

આજ જરાક મોડું થૈ ગ્યું છે.’

બેહો તાંણે હવે. આજ મોડા ભેગું થોડુંક વધુ મોડું. ચા પીને જ જાવ.’

શેઠની વાત સાંભળીને મહારાજ વિચારમાં પડ્યા કે કહો ના કહો પણ આજ શેઠ માનપાનથી બોલાવે છે ઈનું કંઈક કારણ તો હોવું જ જોઈએ. નિકર ચપટી લોટ આપતાં જીવ જતો રહે ઈ શેઠ દાંત કાઢીને ચા પાવાની તાણ ન કરે.

મહારાજ તો થાંભલી અડતું લોટનું બોઘરણું મૂકીને ઓશરીના જેરે બેઠા. ત્યારે શેઠે શેઠાણીને કહ્યું : આજ મારાજનું બોઘરણું લોટથી ભરી દો. બાપડા તડકાના દિઆખો ક્યાં રખડશે? પછી હળવે રહીને બોલ્યા :

મહારાજ! આ લોટ માગ્યે આટલા મોટા વસ્તારવેલાનું શી રીતે પૂરું થાય છે?’

આ સાંભળીને મહારાજની, આંખ્યુંમાં ઝળઝળિયાં આવી ગયાં. એને થયું કે શેઠ મને બે પૈસા રળાય એવો કંઈક ધંધો સુઝાડશે. એટલે મહારાજ બોલ્યા :

શેઠ! લોટ માગવાથી થોડું પૂરું થાય? અમારા ગરીબના નસીબે ય ગરીબ જ રહે. ભીખનાં હાંલ્લાં કદી શીંકે ચડતાં હાંભળ્યાં છે? ભૂખથી મોટું દુ:ખ આ દુનિયાની માલીપા બીજું એકે નથી. કાશીએ જઈને પંડિત થયો છું. પણ આગળ ધાન ને વાંહે અમે એવી હાલત છે.’

ત્યારે શેઠ મોરિયા જેવડું માથું હલાવીને ખીં ખીં ખીં કરતા બોલ્યા :

મહારાજ, મને એક વિચાર હુઝે છે. મને ઇમ થાય છે કે આપણે બેય આપણા ભાગ્યની પરીક્ષા કરી જોઈએ.’

અરે શેઠ! ગરીબના ભાગ્યમાં શું હોય? યાં તો ભમરા તો ઊડતા હોય. તમે દયાળુ શેઠ, તમારે ત્યાં લક્ષ્મીનો મુકામ હોય. રિદ્ધિસિદ્ધિનો વાસ હોય, અમ ગરીબને આંગણે તો આળસ જ આંટા મારતી હોય.’

પણ આપણે શરત કરવી.’

ના શેઠ શરત કરવાનું મારું ગજું નંઈ, ગરીબ બ્રાહ્મણ માર્યો જઉં ભૈશાબ! શેઠ ગરીબ માણહને ગમ્મતું નો પાલવે બાપા.’

પણ મહારાજ હાંભળો તો ખરા. કાલ્ય સવારથી મોડી રાત હુધીમાં તમને જે કંઈ લોટ, સીધુસામાન પૈસાટકા કે રોકડ મળે ઈ સંધુય તમારે મને દઈ દેવાનું. ઈના બદલામાં મારે તમને સો રૂપિયા આપવા.’

મહારાજને કંઈ ઘૈડ્ય બેઠી નંઈ. એમને થયું કે શેઠને કંઈક દાન કરવું હશે. વળી વિચાર આવ્યો આ શેઠ છાંટ નાખે એવો છે. મને સાંજે પાંચ રૂપિયાની પૂરી પેદાશ થતી નથી ને આ વાણિયો સો રૂપિયા આપીને ભાગ્યની પરીક્ષા કરવા ઘોડો ખૂંદે છે, એટલે ભેદ ભરમવાળી વાત છે ઈ નક્કી. પછી મહારાજને થયું કે હનુમાનની દેરીએ થયેલો ગેબી અવાજ આ વાણિયો સાંભળી ગ્યો લાગે છે. પણ કંઈ સો રૂપિયામાં ભાગ્ય થોડાં વેચાય છે? એટલે મહારાજે કહ્યું :

શેઠ, મારે એવું કંઈ નથી કરવું. જે નસીબમાં હશે ઈ મળશે.’

મહારાજ પછી પસ્તાશો હોં. કથાકીર્તનના પાંચપચ્ચી વધુ મળશે એટલું ને?’

પણ મહારાજ તો એકના બે ન થયા એટલે મોકમચંદ શેઠે રૂપિયા અઢીસો ઉપર લાવીને વાત મૂકી. ત્યારે મહારાજનું ય મન પલળી ગયું. ગરીબ મહારાજને થયું, હનુમાનદાદા તો આપતાં આપશે પણ આ અહીં તો રોકડા મળે છે ઈ શીદને જાવા દેવા? આ ઢીંગલો શેણે ભૂંડો? એટલે જેમ આંબા પરથી શાખની કેરી પડે એમ ટપ દઈને મહારાજે હા ભણી દીધી. કાગળ ઉપર લખાણ કરી સઈદસ્તક કર્યાં. શેઠે અઢીસો રૂપિયા મહારાજને આપ્યા.

બીજે દિવસે ગામઆખામાં માગીને મહારાજ, શેઠને ઘેર ગયા અને બોલ્યા :

શેઠિયા! લ્યો આ ગડિયું લોટ અને બાર આના રોકડા મળ્યા છે ઈ.’ ત્યારે શેઠ ઠાવકાઈથી બોલ્યા :

મહારાજ! હજી સાંજની હનુમાનદાદાની પૂજા બાકી છે ઈ પતાવો પછે બધી વાત. આપણી તો રાત સુધીની આવકની વાત થઈ છે ને!’

એમ કરતાં કરતાં સાંજ પડી. સાંજના શેઠ અને મહારાજ હનુમાનદાદાની દેરી ભણી જવા નીકળ્યા. મોકમચંદ શેઠે નવો ઝભ્ભો ને ધોતિયું પહેર્યું. હાથમાં તેલનો કળશ્યો લીધો ને બેય દાદાની દેરીએ ગયા.

શેઠે જતાંવેંત દાદાને લોટો ભરીને તેલ ચડાવી દીધું ને પછી બે હાથ જોડીને બોલ્યા :

હે ભોળિયા, હે મારા નાથ, આજ દયા કરજે.’

બ્રાહ્મણે હનુમાનદાદાની પૂજા કરી. પછી કહે ચાલો શેઠ પૂજા થઈ ગઈ.’ શેઠને થયું કે હનુમાનદાદા વચન પ્રમાણે હમણાં હજાર રૂપિયા બ્રાહ્મણને આપશે. એટલે કે મહારાજ છાતવાર રહો પછી જવી. મોકમચંદ શેઠ ફરીથી હનુમાનદાદાને પગે લાગ્યા અને મનોમન હજાર રૂપિયાનું સ્મરણ કર્યું, પણ કંઈ પથ્થરની મૂર્તિ એમ કંઈ થોડા પૈસા આપે? વાણિયાને થયું નક્કી મને કાં બ્રાહ્મણને હનુમાનદાદાએ છેતર્યા. એટલે બે હાથ જોડીને બોલ્યા :

હે દાદા ! મેં તમારા વચન પર ભરોસો કરીને આ બ્રાહ્મણને અઢીસો રૂપિયા રોકડા દીધા છે. તમારા દેવલામાંય કળજગનો પવન ભરાઈ ગયો કે શું? મને ઠાલી મફતનો અઢીસોના ખાડામાં ઉતારી દીધો?’ પણ પથ્થરના દાદા ન હાલ્યા ન ચાલ્યા, ન ડોલ્યા ન બોલ્યા. આથી દાઝે બળેલા વાણિયાએ હનુમાનદાદાને પાટું મારવા એક પગ ઊંચો કર્યો. એમાં મેઘલી રાત મળી હોય ને હરુડાટ થાય એવો કડાકો થયો તે ધરતી ફાટી. વાણિયાનો એક પગ ફાટમાં સલવાઈ ગયો. શેઠે ઘણું બળ પછાડ્યું પણ કંઈ કાહરી ફાવી નહીં. ત્યાં તો પેલો ગેબી અવાજ સંભળાયો.

શેઠ, ગરીબ બ્રાહ્મણે મારી સેવા કરી છે. મેં એને હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે, પણ મારી પાંહે હજાર રૂપિયા કેવા? હું તો ભાવનાનો ને તેલનો ભૂખ્યો છું. તમે મહારાજને અઢીસો રૂપિયા આપ્યા ઈ સાચા. હજુ સાડા સાતસો રૂપિયા બાકી રહ્યા છે. ઘેરથી મંગાવી દો પછી પગ છૂટો થશે.’

ત્યાં તો મોકમચંદ શેઠની આંખમાંથી આંસુડાં ખળકવા માંડ્યાં :

પણ દાદા ! હવે કોઈ વાતે? મારા માથે આવી કરાય?’

ત્યારે ગરીબ બ્રાહ્મણને માથે આવી કરાય? કોઈનાં ભાગ્ય એમ થોડાં ઝૂંટવી લેવાય છે? વળી મારી પાંહે પૈસાની સિલિક નથી. તમે કોઈ મારી દેરીએ આવીને હવે ક્યાં પૈસા નાખો છો? તમે તો પાવળું તેલ જ ચડાવી જાવ છો. છતાં પૂછી જુઓ મહારાજને, પૈસાને બદલે તેલ માગે તો તેલના ડબ્બા દઉં.’ ત્યાં તો શંભુ મહારાજ પટાક દેતાં બોલ્યા :

ના, ના, દાદા ઈ નો કરશો. મારે તેલ નથી જોતું. તમારું સિંદુરિયું તેલ ખાઉં તો મારા ગળામાંથી અવાજ ગુમ થઈ જાય. મારું લોટ માગવાનું ટળી જાય. ઈ નો કરશો દાદા. મને પૈસા આપો ભઈસા.’

શેઠ કહે : ‘મહારાજ ! તેલ લઈ લો. હું મારી દુકાને બેસીને ઈના દોઢા પૈસા તમને દેવરાવી દઈશ.’

ત્યારે મહારાજ હસીને બોલ્યા : ‘તો તો દાદા ! ગામાઆખાનાં ગળાં બંધ થઈ જાશે. ઈ નો કરશો. મને તો શેઠના રોકડા પૈસા જ જોવી.’

પછી મોકમચંદ શેઠ ડુંગળી જેવા ડોળા કાઢીને મહારાજ સામે તાડૂક્યા ને બોલ્યા : ‘શંભુ મહારાજ હું ઘેર જઈને તમને સાડા સાતસો ગણી દઉં. તમે કબૂલી લો.’

…’પણ શેઠ તમારો શો વિશ્વાસ? ઓલ્યા છગન ભોપાના પૈસાનો હું જામીન થયેલો ઈ તમે ચ્યાં હજુ આલ્યા છે? મારે તો દાદાની હાજરીમાં પૈસા જોવી. દાદા! તમારે અટાણે જ દેવા હોય તો દઈ દયો નંઈ તો તમારા બોલ ગયા ને મારા ખેલ ગયા.’

ત્યાં પગ વધુ ભીંસાતાં મોકમચંદ શેઠે રાડ્ય નાખી; ‘હે દાદા ! દઈ દઉં છું.’ કહેતાં શેઠે મહારાજને ઘેર મોકલ્યા. મહારાજે શેઠના દીકરાને ખબર દીધા કે તમારા બાપા મંદિરમાં સલવાણા છે, પૈસા લઈને ઝટ હાલો. શેઠાણી ને દીકરો શ્વાસભેર હનુમાનદાદાની દેરીએ આવ્યાં. દાદાના પગ આગળ સાડા સાતસો રૂપિયા મૂકીને શેઠ પગે લાગ્યા. ત્યાં તો પગ છૂટો થઈ ગયો, પગ છૂટો થતાં શેઠે મૂઠીઓ વાળીને ગામ ભણી હડી કાઢી. પાછું વાળીને જોવાની ય સોં રહી નહીં. પેલો ગેબી અવાજ આકાશમાં અંતર્ધાન થતો બોલ્યો :

શેઠ! આ વખતે જાવા દઉં છું. હવે આવું નો કરતા. તમને કાંઈ ન સૂઝ્યું તે દેવદેરા મૂકીને આ હનુમાનની હડફેટે ચડ્યા?’

હડમાનની ઠેસ બઉં ભૂંડી, હનુમાનની ઠેહ બઉ ભૂંડી. કોક દિના મારી નાખે. હનુમાનની ઠેસ બઉ ભૂંડી.’ એ બબડતા, ઢીલાં ધોતિયાનો એક છેડો હાથમાં ઝાલતાંકને પરસેવે ઝેબઝેબાણ થઈ ગયેલા શેઠ ઝપટમોઢે ઘર ભેગા થઈ ગયા પણ પાછળ કહેવત મૂકતા ગયા. ‘દેવદેરા મૂકીને હનુમાનની હડફેડે ક્યાં ચડ્યો?’ જ્યારે કોઈ માણસ સજ્જન માણસને છોડીને નબળાનો સંગ કરે છે અને પછી ક્યાંક ભેરવાઈ જાય છે ત્યારે એને માટે આ કહેવત વપરાય છે.

Source : Book Name : lokjivanni kahevat katho(Story No.-6)

No Response to “કહેવતકથા – દેવદેરાં મૂકીને હનુમાનની હડફેટે ક્યાં ચડ્યો?” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment