Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ઑફિસ છૂટવાના સમયે જ દીપાનો ફોન આવ્યો, ને એ પાછી એવી તો લપડી તે જલદી વાતનો ચેપ મૂકે જ નહીં. આજે ખાસ્સું મોડું થઈ ગયું. રિટાયર્ડ થવામાં એક વીક બાકી તે પેન્ડિંગ કામ સાથે લઈને ઉતાવળી ઘેર આવી ગઈ. બારણામાં પગ મૂક્યો, ને ચોંકી ગઈ. ડ્રોઇંગરૂમ ઝાકઝમાળ! ને આખોય ઠાકર પરિવાર એકસાથે! મને જોઈને તરત રીમા સામે આવી, એ ‘મમ્મી!’ કહેતી ભેટી પડી, ને પછી ઠાકર સામે જોતાં એણે હસી લીધું : “જોયુંને પપ્પા!… હું શું કે’તી’ તી !? … બોલો, મારાં ભૂલકણાં મમ્મીને તો હજુય….’ પણ હું શું બોલું? મારા મગજમાં તો દીપાનો ફોન, અને …. મિતેષે મને ચૂપ જોઈને તરત હસતાં હસતાં કીધું :’મમ્મા, તમારી ચાલીસમી મેરેજ-એનિવર્સરી પપ્પાને યાદ છે, ને તું તો યાર!!… ‘

‘અચ્છા, તો સરપ્રાઇઝ આપવા તારા પપ્પાજીને તમે લોકોએ પાર્ટી !’……. કહેતાં હું ખસિયાણું હસી, ને જઈને સોફા પર બેસી પડી. પ્રો. ઠાકરે પ્રસન્ન નજરે મારી સામે જોયું, એ ઊભા થઈ ગયા :’જુઓ, સાંભળો બધાં, અમારા મેરેજ આડે બે દા’ડા બાકી હતા, ને ભારે ગમ્મત થયેલી……. મનુમામાએ મને ગંભીર બનીને પૂછેલું : ‘લ્યા, કન્યાને તેં જોઈ છે કે નહીં?….’ મેં ના પાડી, તો એમણે કીધું : ‘છોકરી છે તો દેખાવડી, પણ જરા બે દાંત થોડા આગળ પડતા….’ બસ, આ સાંભળતાંની સાથે જ આપણા રામ તો ભડક્યા : ‘મારે લગન કરવાં નથી!’….. ને આટલું બોલીને ઠાકર મારી સામે સ્મિત કરતા કરતા ટપ દઈને બેસી ગયા, ને એ સાથે જ ખંડમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. ‘પછી શું થયું ?’ મારી પાછળથી કોઈ ધીમેથી હસ્યું, ને એ સાથે જ ઠાકરને બદલે મેં જ કહી નાખ્યું : ‘પછી તો બીજું શું થાય? ખુદ મનુમામાએ લગ્નના બીજા જ દા’ડે એમણે કરેલા ટીખળની વાત સૌની આગળ હસતાં હસતાં ….’ આટલું કહેતાં તો મને હાંફ ચઢી ગઈ. મિતેષ તરત ઊભો થઈ ગયો: ‘ચાલો હેમા, હિતેશ, રીમા, મોના….જલદી, સૌ ટેબલ પાસે આવી જાઓ. છોકરાંનો ઘોંઘાટ શમી ગયો – એકાએક. પછી તો ગાળીઓના ગડગડાટ સાથે કેક કપાઈ. ગ્રુપફોટો લેવાયો ને ખાણીપીણી પત્યા પછી સૌ વીખરાયાં. અમે એકલાં પડ્યાં કે તરત ઠાકરે પૂછી નાખ્યું : ‘તારી તબિયત તો ?….’ મને થોડી અસ્વસ્થ જોઈને ફરી એમણે ચિંતિત સ્વરે પૂછ્યું : ‘કેમ, કંઈ બોલી નહીં?… ‘ મેં ક્ષીણ સ્વરે કહ્યું : ‘ઑફિસમાં હમણાં કામનું ભારણ…. તે માથું થોડુંક ભારેખમ….’ ને આ સાંભળીને તરત ઠાકર બામની શીશી લઈ આવ્યા, કપાળે હાથ મૂક્યો, આંખ મારી મીંચાઈ ગઈ. લમણામાં જાણે સેંકડો ટાંકણીઓ ભોંકાતી હતી, ને વળીવળીને દીપાનો ફોન, એના શબ્દોનો ઉઝરડો : ‘લી, તું સુખી તો છે ને !?….’ આ પ્રશ્ન પાછળ દીપાનો ઇશારો એના સુમનભાઈ !……… હા, સાઇઠમા વરસે આજેય એ માણસ અનમેરિડ રહીને યુગાન્ડામાં સોશિયલ વર્ક કરતો ફરે, તે એમાં હું શું કરું??’ ‘હવે કેમ છે તને!?’ ….બામ ઘસતાં ઘસતાં બોલાયેલા ઠાકરના શબ્દો…. અને ‘બસ, હવે રહેવા દ્યો…..’ કહીને ઠાકરના હાથને સ્પર્શવા ઊંચકાયેલો સકમ્પ હાથ….. અરે! આ હાથ તો મારો – જાણે લંબાતો… લંબાતો – દૂર-સુદૂર !!’ ને અચાનક જ ઉતાવળે મારાથી ઠાકરનો હાથ પકડાઈ ગયો – ભારે આવેગપૂર્વક !

લેખક – રમેશ ત્રિવેદી
સાભાર : પરબ માર્ચ ૨૦૧૦ (પાના નં: ૨૨)

No Response to “સુખી હોવાનું વૃત્તાંત” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment