Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

નિર્દોષ છોકરી

March 2nd, 2010 by GujaratiLexicon Team | No Comments »

ધડ-ધડ, ધડ-ધડ કરતી ટ્રેન એકધારી ગતિએ દોડી રહી હતી. આવતી કાલે મારે પેપર તપાસીને શાળામાં આપી દેવાનાં હતાં એટલે ઊંઘું ઘાલીને હું મારું કામ કરતી હતી. સામેની બર્થ પર રાજસ્થાની જેવી લાગતી સ્ત્રી, એના પતિની બાજુમાં કપાળ ઢંકાય એટલું માથે ઓઢીને બેઠી હતી. એના પતિએ ચાર-પાંચ મિત્રો સાથે પાનાની રમત જમાવી હતી. એનો મરાઠી મિત્ર થોડી થોડી વારે હથેળીથી મસળીને તમાકુ મોંમાં ઓરતો જતો હતો અને એના ગંદા, કાળા-પીળા દાંત દેખાય તેવું ભદું હસ્યા કરતો હતો. એક મદ્રાસી પ્રવાસી આમ તો આ ટોળકીનો નહોતો લાગતો પણ પાના રમવા પૂરતો એમની સાથે બેઠો હતો. રમતની સાથે એમના ઠઠ્ઠામશ્કરી અને વચ્ચે વચ્ચે બોલાતી ગાળો કાને અથડાયા તો કરતી હતી પણ હું કામમાં એવી મશગૂલ હતી કે મારું એ તરફ ખાસ ધ્યાન નહોતું. એકાએક ચિચિયારી સાથે ટ્રેન ઊભી રહી તે સાથે જ મારી એકાગ્રતા તૂટી. ‘શું થયું ?’… ‘કોઈ સ્ટેશન તો આવ્યું લાગતું નથી, તો પછી ટ્રેન કેમ ઊભી રહી ?’…. ‘ચેઈન પુલિંગ થયું ?’…. જાતજાતના સવાલો પ્રવાસીઓ અંદરોઅંદર એકબીજાને કરી રહ્યા હતા. જોકે, એના જવાબ તો કોઈ પાસે નહોતા.

શરૂઆતમાં તો ‘પાનામંડળી’ પર બદલાયેલી પરિસ્થિતિની કોઈ અસર વરતાતી નહોતી. જામેલી રમતની લિજ્જત બધા રમતવીરો માણી રહ્યા હતા. પણ જેમ જેમ સમય વધતો ગયો એમ એમને અટકેલી ટ્રેનનો ખ્યાલ આવ્યો : ‘સાલા, યે ટીરેન કાયકુ ઈધર બીચમેં ખડા રયલા હય ? મામલા કુછ ગડબડ લગ રીયેલા હય…’ ટોળામાંના એકે જરા અકળામણ દર્શાવી ત્યાં મરાઠી ભાઈએ ‘અરે ભાઉ, તુમી બસા ના ! આપુન કાય તરી કરુન સકનાર નાહી. આઈકલા કા ?’ કહેતાં એને ઠંડો પાડ્યો. પણ વીસેક મિનિટ સુધી ટ્રેને ચસકવાનું નામ ન લીધું ત્યારે ડબ્બામાંનો પુરુષવર્ગ એક એક કરીને નીચે ઊતરીને એન્જિન તરફ જઈને કંઈક નવી માહિતી મેળવવા પ્રયાસ કરવા લાગ્યો. થોડી વારમાં જેમ એક એક કરીને ગયા હતા તેમ એક એક કરતા પાછા ફર્યા. આવીને સૌએ પોતપોતે મેળવેલી બાતમી વિનામૂલ્યે જનસામાન્ય માટે ખુલ્લી મૂકી.

‘એક્સિડન્ટ જાલા, એક્સિડન્ટ…’
‘અરે, એને એક્સિડન્ટ થોડો કહેવાય ? આપઘાતનો ચોખ્ખો કેસ છે, આપઘાતનો….’
‘જવાન લડકી હૈ, કોઈ બોલા મેરેકુ. ગાડી કે નીચે આકે સુસાઈડ કિયા.’
‘સાલ્લી, પેટસે હોગી, ઓર ક્યા ? પાપ કરકે ફિર….’
‘ચૂ….પ, ખબરદાર જો કોઈ એક અક્ષર પણ આગળ બોલ્યું છે તો ! કોઈની બેન-દીકરી માટે જેમતેમ બોલતાં પહેલાં જરા વિચાર તો કરો. તમારામાંથી કોને ખબર છે કે, ખરેખર એણે આપઘાત જ કર્યો છે ? ને કર્યો છે તો ક્યા કારણે ? બની શકે કે, એ સાવ નિર્દોષ હોય. બની શકે કે એ ટ્રેનની અડફેટે આવી ગઈ હોય. પણ તમને તો બસ, બધે દાળમાં કાળું જ દેખાય. સ્ત્રીની વાત આવી નથી કે તમને પાપ દેખાયું નથી. તમે પુરુષો બધા દૂધે ધોયેલા છો ?’ મારો આક્રોશ જ્વાળામુખીની જેમ ફાટ્યો. કંપાર્ટમેન્ટમાં બેઠેલા સૌ એની લપેટમાં આવી ગયા. જેને મારી વાતનો વિરોધ કરવો હતો (ખાસ કરીને પેલી પાનપાર્ટીના સભ્યો) તેઓ અંદરઅંદર ગણગણ કરવા લાગ્યા. તો જેમને મારી વાત સાચી લાગી તેઓ ખુલ્લં-ખુલ્લા મને ટેકો આપવા લાગ્યા.
‘આપકી બાત બિલકુલ સહી હૈ બહેનજી, પતા નહીં બેચારી કી ક્યા મજબૂરી હોગી ઔર હમ બિના સોચે સમજે કુછ ભી બોલ દે…..’
‘બેન, તારામાં તો જબરી હિંમત હોં, બાકી કે’વું પડે ! તમે ભણેલા-ગણેલા લોકને, એટલે ! અમારા જેવાથી તો મરદ લોકો સામે આટલું બોલાય નહીં ખરેખર હં !’ પણ મને આ માન-અપમાન જરાય સ્પર્શતાં નહોતાં. એક યુવતીના અકસ્માત મૃત્યુએ મને હલાવી નાખી હતી. મરણ પામેલી છોકરીને મેં ન જોઈ હોવા છતાં હું એની સાથે અનુસંધાન અનુભવતી હતી. એને માટે કોઈ એલફેલ વાત કરે એ મારાથી સહન નહોતું થતું. સફેદ ચાદરની નીચે ઢંકાયેલા ચહેરાની હું અદ્દલો-અદ્દલ કલ્પના કરી શકતી હતી. જોકે, એમાં કલ્પના કરવા જેવું કશું નહોતું. કેમ કે, શોભા ક્ષણમાત્ર પણ મારાથી અળગી નહોતી થઈ, મારી સાથે ને સાથે જ રહી હતી. જે ભુલાયું હોય એને યાદ કરવું પડે, શોભા તો હતી મારી જોડાજોડ, મારી પડખોપડખ.

મારાથી ત્રણેક વર્ષ મોટી મારી સહોદર – શોભા. એના નામ મુજબ જ ઘરની શોભારૂપ.  હસતી, હસાવતી, મજાક-મસ્તી કરતી, કોઈના હાથમાંથી આંચકી લઈને ધરાર સામા માણસનું કામ કરી આપતી શોભા. શોભાના હોવાથી ઘર ભર્યું-ભર્યું લાગતું. માને આ મોટી દીકરીનો ઘરનાં નાનાં-મોટાં દરેક કામમાં ટેકો રહેતો તો એની નોકરીની આવક પિતાની ટૂંકી આવકને થોડી લાંબી કરી આપતી. મારે માટે તો ફક્ત ત્રણ જ વર્ષ મોટી આ બહેન જાણે મારી મા જ હતી. મારી નાનામાં નાની જરૂરિયાતનું એ એવી રીતે ધ્યાન રાખતી કે જાણે એની ફરજનો જ એ એક ભાગ હોય. એ મને અનહદ ચાહતી. કદાચ પોતાની જાતથીય વધુ. લગ્ન લાયક ઉંમર થતાં શોભાને મુરતિયાઓ બતાવવાનું શરૂ થયું અને ત્યારથી શરૂઆત થઈ એની અને આખા કુટુંબની કમનસીબીની. શોભાને જાંઘના ભાગમાં કોઢ હતો. ક્યાંક પણ વાત ચાલે કે, પહેલાં જ શોભા આ વાત કરી દેતી અને પછી વાત ત્યાં જ અટકી પડતી. મા-બાપુ એને આ વાત જાહેર ન કરવા રીતસર દબાણ કરતા : ‘પરણ્યા પછી બધુંય થાળે પડી જશે. એક વાર તારી સાથે મનમેળ થઈ જાય, પછી કોઈ તને આટલા નજીવા કારણસર છોડી થોડું જ દેવાનું હતું ?’ પણ શોભાને આ ‘નજીવું કારણ’ નહોતું લાગતું. કોઈ સાથે છેતરપિંડી કરવા એનું મન તૈયાર ન થતું. એ એવો ઢાંકપિછોડો કરી ન શકતી અને આ જ કારણે અત્યાર સુધી સુખી લાગતા આ ઘરનાં સુખ-શાંતિ ડહોળાઈ ગયાં હતાં. આજ દિન સુધી માતા-પિતાને ડાહી ને હોશિયાર લાગતી શોભા હવે એમને જિદ્દી અને ઘમંડી લાગવા માંડી હતી. મા એની સાથે હવે મોઢું ચઢાવીને વાત કરતી અને બાપુ ખપ પૂરતું જ બોલતા. શોભા જાણે કોઈ ત્રાહિત વ્યક્તિ હોય અને પરાણે આ ઘરમાં ઘૂસી ગઈ હોય એવું એમની સાથેનું વર્તન હતું. હવે તો જ્યારે કોઈ છોકરો જોવાની વાત આવે ત્યારે ઘરનું વાતાવરણ એટલું તંગ થઈ જતું કે, મોકળાશથી શ્વાસ પણ ન લઈ શકાતો.

એમાંય તે દિવસે તો હદ થઈ ગઈ. આ વખતે આખી બાજી ફોઈએ પોતાના હાથમાં લઈ લીધી હતી અને એમને પોતાની સફળતા વિશે ભરપૂર વિશ્વાસ હતો. આજે ઘેર આવનાર છોકરા સાથે કઈ રીતે અને શું વાત કરવી (ખાસ કરીને તો શું ન કરવી) એ એમણે શોભાને પાંથીએ પાંથીએ તેલ નાખીને પચાવી દે એમ મગજમાં ઠસાવ્યું હતું. પણ પરિણામ ? ફરી એક વખત શોભા લગ્નના બજારમાં નાપાસ. એના નામની સામે વધુ એક ચોકડી મુકાઈ ગઈ હતી. ફોઈને ખ્યાલ આવી ગયો કે, આ માથાફરેલ ભત્રીજીએ એમની મહામૂલી સલાહને અવગણી હતી. ખલાસ, ફોઈનો અહમ ભાંગીને ભુક્કો થઈ ગયો. નિશાનબાજીમાં કુશળ ફોઈએ પોતાના ભાથામાંથી ઝેર પાયેલાં તીર કાઢી કાઢીને મા તરફ એવી રીતે તાક્યાં કે એ જઈને ખૂંપે સીધાં શોભાની છાતીમાં : ‘હવે આખી ન્યાતમાંથી કોઈ તમને મુરતિયો બતાવે તો કહેજો ને ! છોકરીની જાતને તો કાબૂમાં રાખેલી સારી. આ જો, તારી શોભા બે પૈસા કમાઈને લાવે છે તે એનું મગજ તો ફાટીને ધુમાડે ગયું છે. હવે રાખજો, એક નહીં પણ બે બે કન્યારત્નોને ઘરમાં. મોટી જ ઠેકાણે નહીં પડે તો નાનીને ક્યાં વરાવશો ? આ તો મને મારા ભાઈનું દાઝે એટલે આટલું સારું ઠેકાણું બતાવ્યું, પણ હવે ફરી નામ ન લઉં.’

ફોઈ ધમધમાટ કરતાં ગયાં પછી અપમાન અને ગુસ્સાથી ધૂંધવાયેલી માએ તે દિવસે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. પોતાની આ લાડકી દીકરીને આવા આકરા શબ્દો કહેતાં એના મન પર શું વીતતી હશે એ સમજવા છતાં મને મા પર તે દિવસે બહુ ગુસ્સો આવ્યો. એમાંય મા જ્યારે ‘નાની બહેનના ભવિષ્ય આડે પથરો થઈને પડી છે તે શી ખબર, ક્યારે ટળશે ?’ એવું વાક્ય બોલી ત્યારે મારાથી રીતસર ચીસ પડાઈ ગઈ. ‘મા તું આ શું બોલે છે?’ પણ શોભાએ મારો હાથ પકડીને મને શાંત પાડવા કોશિશ કરી. એનો હાથ ઠંડોગાર હતો અને ચહેરો ધોળોફક ! રાત્રે અમે બંને બહેનો એકલી પડી ત્યારે દુભાયેલી શોભાને સાંત્વન આપવાનો મેં ખૂબ પ્રયાસ કર્યો. માનો કહેવાનો આશય એવો નહોતો પણ એના મોંમાંથી અજાણતા જ નીકળી ગયું – એમ કહીને એના ઘા પર મલમપટ્ટા કરવાનો પ્રયત્ન પણ કરી જોયો. પણ ફરીફરીને એ એક જ વાત કરતી રહી, ‘મા સાચી છે. બધો વાંક મારો છે અને એની સજા તારે અને મા-બાપુએ ભોગવવી પડે છે. મને મારા નસીબ પર છોડીને તું સારું પાત્ર જોઈને લગ્ન કરી લે ને ! મારી લાડકી બહેન, મારી આટલી વાત નહીં માને ?’

એણે જોયું કે, હું લાખ ઉપાયે પણ લગ્ન માટે તૈયાર નહીં થાઉં.
‘ઠીક ત્યારે, ચાલ, સૂઈ જઈએ.’ એણે કહ્યું ત્યારે એના અવાજમાં જિંદગીથી હારી ગઈ હોય એવો થાક હતો. તો યે અમે સૂતાં (?) ત્યાં સુધી એ મને વિનવણી કરતી રહી. આખા દિવસના તનાવભર્યા વાતાવરણને કારણે મને સખત માથું દુખતું હતું. ‘કાલે નિરાંતે વાત કરીશું…’ એમ કહીને હું પડખું ફરીને સૂઈ ગઈ. સવારે ઊઠીને જોઉં છું તો રાત્રે મારી પડખે સૂતેલી મારી વ્હાલસોયી બહેન એક મૃતદેહમાં પલટાઈ ગઈ હતી. મારી આંખ મળી ગયા પછી શોભા ઉંઘની દસ-બાર ગોળીઓ ખાઈ લઈને ચિરનીંદરમાં પોઢી ગઈ હતી. ‘મારા મૃત્યુ માટે કોઈ દોષિત નથી. અંગત કારણોસર હું આ પગલું ભરું છું.’ આવી મરણનોંધની સાથે મને પરણી જવા અને મા-બાપુને સુખી કરવાની સલાહ આપતો પત્ર પણ હતો.

હસતું-રમતું, કિલ્લોલ કરતું એક કુટુંબ એક જ ઝાટકે ક્ષત-વિક્ષત થઈ ગયું. મેં ગાંઠ વાળી લીધી કે, ‘શોભાના મૃતાત્માનું કે હરતીફરતી લાશ જેવા માતાપિતાનું જે થવું હોય તે ભલે થાય પણ હું આ જિંદગીમાં લગ્ન નહીં કરું, નહીં કરું ને નહીં કરું. શોભાના મૃત્યુનું કારણ આટલું સ્પષ્ટ હોવા છતાં એના બેસણામાં આવનારા હિતેચ્છુઓમાં છાનીછપની ચણભણ ચાલતી હતી કે :
‘જુવાનજોધ છોકરી આવું પગલું કંઈ અમસ્તી થોડી ભરે ?’
‘ભઈ, આવી વાત તો બધા દબાવવાની જ કોશિશ કરે પણ મને તો લાગે છે કે, નક્કી ક્યાંક કૂંડાળામાં પગ…’
મારે ગળું ફાડી ફાડીને, ચીસો પાડી પાડીને કહેવું હતું : ‘હા, એનો કૂંડાળામાં પગ પડ્યો હતો. દંભી સમાજરૂપી કૂંડાળામાં. આજે એના મોતની ચિંતા કરનારા જ્યારે એક કોડીલી યુવતી નાની એવી શારીરિક ખામીને કારણે અપમાનિત થતી હતી, બધેથી ઠુકરાવાતી હતી ત્યારે ક્યાં ગયા હતા ?’ પણ મારી જીભેથી એક શબ્દ પણ નીકળી રહ્યો નહોતો. હું અવાચક થઈ ગઈ હતી.

આજે, આટલાં વર્ષે, મારો ત્યારનો ધરબાયેલો આક્રોશ ફાટી નીકળ્યો હતો, ફૂટી નીકળ્યો હતો. કોઈ નિર્દોષ યુવતીની બદનક્ષી આવા, સમાજના ઉતાર જેવા લોકો ચણા-મમરા ફાકતા ફાકતા કરે એ મારાથી કઈ રીતે સહન થાય ? નીચે ઊતરેલ એક યુવાન પરિસ્થિતિનો ક્યાસ કાઢીને પાછો ફર્યો અને મારી તરફ જોઈને કહેવા લાગ્યો : ‘બેન, તમારી વાત સોળ આના સાચી હતી. છોકરીએ આપઘાત નથી કર્યો. બાજુમાં બસ્તીમાં રહેતી એની માએ આવીને કહ્યું કે, એ તો વર્ષોથી આ રીતે જ પાટા ઓળંગીને જતી હતી. પણ આજે ટ્રેન લેટ પડી ગઈ અને એને સમયનું ધ્યાન ન રહ્યું ને…. ટ્રેનના ડ્રાઈવરે પણ કહ્યું કે છોકરીનો આપઘાત કરવાનો કોઈ ઈરાદો નહોતો પણ હું ટ્રેનને બ્રેક મારું મારું ત્યાં જ એ બિચારી નિર્દોષ….’

મેં એક સળગતી નજર પાનાપાર્ટી તરફ નાખી. એ લોકોએ નજર ઝુકાવી અને ધક્કા સાથે ટ્રેન ચાલુ થઈ.

-આશાબેન વીરેન્દ્રભાઈ
[‘અખંડ આનંદ’ એપ્રિલ-09માંથી સાભાર]

No Response to “નિર્દોષ છોકરી” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment