Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

૨૫ વર્ષની મારી કારકિર્દીમાં તૈયાર કરેલું અને ત્રણ વર્ષ પહેલાં જેનું મુંબઈ, લંડન તથા ટૉરૅન્ટોમાં લોકાર્પણ કર્યું હતું તે ગુજરાતીલેક્સિકોનના કર્તા તરીકે, ગુજરાત રાજ્યની સુવર્ણજયંતી દરમ્યાન, આપ સૌ મારું તથા ગુજરાતીલેક્સિકોનનું અભિવાદન કરી રહ્યા છો એ મારા માટે એક ગૌરવની ઘડી છે.

હું તો સંન્યાસ આશ્રમમાં પ્રવેશી ચૂક્યો છું. લેખક, સાહિત્યકાર કે કવિ બની શક્યો નથી, પણ દિલના ઊંડાણથી ગુજરાતી ભાષાને ચાહનારો પ્રેમી બન્યો છું. એક ગુજરાતી ભાષાપ્રેમી તરીકે આજનું આ સન્માન મને પોરસાવે છે અને એક અનોખા સ્તરે ઊંચકે છે. આ અણમોલ ઘડીને આવકારતાં મારું હૃદય ભાવવિભોર બન્યું છે જે માટે ‘વિશ્વ ગુજરાતી સમાજ’નો હું દિલથી આભાર વ્યકત કરું છું.

મારો જન્મ અને અભ્યાસ કેનિયા આફ્રિકામાં થયો તેથી તે સમયની ગુજરાતી- મારી ગળથૂથીમાં ગૂંથાયેલી હતી. બીજા વિશ્વયુદ્ધ સમયે ૧૯૪૦ થી ૧૯૪૬ સુધી અમારે સૌએ હિંદમાં રહેવાનું થયું ત્યારે શુદ્ધ ગુજરાતી ઉચ્ચારણ અને લખાણનો મને અનોખો અનુભવ થયો. એ અનુભવ થકી મારી ગુજરાતી ભાષાને વિકસાવવા એક જૂનું ગુજરાતી રેમિંગ્ટન ટાઇપરાઇટર મેં ખરીદેલું. ત્યારથી તે  આજ દિવસ સુધીની મારી યાત્રા એટલે આ “ગુજરાતીલેક્સિકોનનઓ જન્મ અને ઉદય”; એ કાળ દરમ્યાન મને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે મારા આ પ્રકલ્પને વિશ્વભરમાં આવો અનેરો પ્રતિસાદ મળશે અને ગુજરાતીલેક્સિકોન આટલી ઝડપે ફેલાશે, તે આટલું લોકોપયોગી પુરવાર થશે અને તેને ઉમંગથી આવકારાશે.

ગુજરાતીલેક્સિકોનની સમગ્ર સામગ્રી ઇન્ટરનેટ ઉપરથી વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે તથા તેની સીડી વિનામૂલ્યે તમે ગુજરાતીલેક્સિકોનની ઑફિસેથી મેળવી શકો છો.

આજે મારે એટલું જ કહેવું છે કે “ગુજરાતી ભાષા મરી રહી છે” તેવી વાહિયાત વાતો સામે આ સાયબરનેટના જમાનામાં આપણું આ ગુજરાતીલેક્સિકોન એક અસરકારક શાશ્વત ઉપાયરૂપ પ્રદાન ગણાયું છે. અપાર મુશ્કેલીઓ વચ્ચે પચીસ વરસ પહેલાં આ શબ્દકોશના વિશાળ સંગ્રહનો એકડો મંડાયો. પાંત્રીસ લાખથી પણ વધારે શબ્દો લખતાં અને તેમાં રહેલી ભૂલો સુધારતાં વાર તો લાગી; પણ અંતે એ કામ સંતોષકારક રીતે પૂર્ણ થયું. આ લેક્સિકોનની આજે વિશ્વભરના આશરે ચાલીસ લાખ વ્યક્તિઓ મુલાકાત લઈ ચૂકી છે અને દરરોજ સરેરાશ ત્રણ હજાર વ્યક્તિઓ તેની મુલાકાત લઈ સફળતાનાં મીંડાં તેમાં  ઉમેરે છે. ગુજરાતી પ્રજાને મહેણું હતું કે, તેને ભાષા અને પુસ્તકોમાં રસ નથી; શબ્દકોશોમાં તો જરાય નહીં! પણ આ આંકડા જોતાં હવે કોણ કહી શકે મારી માતૃભાષા ગુજરાતી મરવા પડી છે?

અમારો નવો પ્રકલ્પ ‘લોકકોશ’એ ગુજરાતી ભાષાનું નવસંસ્કરણ અને સંવર્ધન કરનારું તથા લોકચાહના મેળવતું જતું એક અનેરું પગલું છે. તેણે દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓમાં ભારે ઉત્સુકતા જગાડી છે. અમદાવાદના પાંચ ભાષાનિષ્ણાતો અમને આ લોકકોશની શબ્દ-ચકાસણીમાં સહાય કરી રહ્યા છે તે અમારું સદ્ભાગ્ય છે.

મિત્રો, પૃથ્વીપટે સઘળા ખંડોમાં પથરાયેલા છ કરોડ જેટલા ગુજરાતીઓના દરેક પરિવારમાં આ લેક્સિકોનનો સંદેશ પહોંચે અને માતૃભાષાને સમૃદ્ધ કરવા માટે તેઓ તેનો ઉપયોગ કરતા થાય, તથા ગુજરાતી પ્રજા, નિશાળો, કૉલેજો અને યુનિવર્સિટીઓ તેને અપનાવી આ પ્રકલ્પને ઊંચે સ્તરે લઈ જાય તેમાં આપ સૌના સહયોગની હું અપેક્ષા રાખું છું.

આ ઉપરાંત હજુ પણ ઘણાં એવા અમૂલ્ય ગુજરાતી સાહિત્યનો ખજાનો આપણી પાસે પડેલો છે જેને આજના આ આધુનિક તકનીકી યુગમાં ડિજિટલાઇઝ કરીને જો સાચવવામાં નહીં આવે તો આવનારી પેઢી માટે તે નામશેષ થઈ જશે. મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આવા અમૂલ્ય વારસાને જાળવવાના અમારા આ પ્રકલ્પમાં આપ સહભાગી થાઓ.

ગુજરાતીલેક્સિકોને અનેક યોજનાઓને શ્રેષ્ઠ ટેકનોલોજીમાં ડિજીટલાઇઝ કરી છે તેથી ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ કૃતિઓને કુશળતાથી ડિજીટલાઇઝ કરી આપવા અમે કટિબદ્ધ છીએ. મહાત્મા ગાંધી,સરદાર પટેલ, નર્મદ જેવા અનેકોની સમર્થ કૃતિઓને ડિજીટલાઇઝ કરવા અંગે ગુજરાત સરકાર આગળ આવી તેની પહેલ કરે એવું અમારું આહ્વાહન છે.

ગુજરાતના ગામેગામ હવે ઇન્ટરનેટથી જોડાયા છે. ત્યાં કમ્પ્યૂટર તો મોજૂદ છે પણ સોફ્ટવેરનું શું? તેનો ઉપયોગ ભાષા અને સંસ્કૃતિનું સંવર્ધન માટે થશે કે પછી યુ-ટ્યૂબ કે એવું બીજું બધું જોવા માટે થશે? આપણે સૌએ ગુજરાતી માધ્યમ થકી તળગુજરાતની પ્રજાને ઉન્નત કરવાના કામમાં આવરી લેવી જોઈએ.

ગુજરાતીલેક્સિકોનના આંદોલને ગુજરાતીઓને આશ્ચર્યચકિત કર્યા છે. તેનો પ્રભાવ દૂર-સદૂર રણકી રહ્યો છે. તે ગુજરાતી ભાષાપ્રેમીઓને મફત સેવા અર્પી રહ્યું છે. ગુજરાતી તજજ્ઞોનું જ્ઞાન તથા સમજ, ભારત સરકારની સી-ડેક (C-DAC: Centre for Development of Advanced Computing)જેવી સંસ્થાઓને પૂરાં પાડી તેમને ભારતની અનેક ભાષાઓને ઓતપ્રોત કરવા માટેની પ્રક્રિયા દ્વારા મળતું જ્ઞાન પુરૂ પાડ્યું છે. ગુજરાતીલેક્સિકોને ‘ઓપનસોર્સ’ને પ્રદાન પુરૂં પાડ્યું છે તથા મોઝીલા ફાયરફોક્સ જેવા વેબ બ્રાઉઝરો તથા ગુગલ જેવા સર્ચ એન્જીનો, ઓપનઓફીસ સાથે સુગ્રસ્થિત થઈ રહ્યા છે.

તાજેતરમાં એક M Philના વિદ્યાભ્યાસમાં ગુજરાતીલેક્સિકોનને ઓક્સફર્ડ સાથે સરખાવતાં એવું જણાયું કે તે ઉચિત દિશામાં કાર્યરત રહી છે. બીજા અભ્યાસમાં ભાષાંતર માટે તે અસરકારક નીવડ્યું. વિવિધ ખાનગી સંસ્થા અને ગુજરાતી ભાષાપ્રેમીઓ તેમના વ્યવસાયમાં તેનો સર્વાંગે ઉપયોગ કરે છે. અમારી અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશમાં મનોહારી ચિત્તવેધક ફેરફારો થઈ રહ્યા છે અને વિશિષ્ટ ક્ષેત્રે નવી શબ્દકોશનું નિર્માણ કર્યું છે.

ગુજરાતીલેક્સિકોનની ટીમે ગુજરાત વિદ્યાપીઠને મદદ કરી તેમના ગુજરાતી સાર્થ જોડણીકોશને ડિજીટલાઇઝ કરી આજના સ્વરૂપમાં તૈયાર કર્યો છે. જે ઘણી પ્રચલીત બની છે. ગુજરાતીલેક્સિકોનની નવી શબ્દરમતો જેવી કે Quick Quiz જે યુવાનો અને બાળકોમાં ખૂબ લોકપ્રિય બની. અમને તો આશ્ચર્ય થાય છે કે ૮૦ વર્ષના યુવાનો પણ તેના ગજબના વ્યસની અપાર ચાહકો બની ગયા છે ! જીવન પોષક સાહિત્યની વાચનયાત્રા સમી – સન્ડે ઈ–મહેફીલ, માતૃભાષા, ઓપિનિયન જેવાં માસિકો, પ્રદીપ ખાંડવાલાની કવિતા વગેરેનો લેક્સિકોનમાંસમાવેશ કર્યો છે.

ગુજરાતીલેક્સિકોનનું સૌથી અગત્યનું અને સીમાચિહ્નરૂપ કાર્ય તે લેક્સિકોનમાં ભગવદ્વોમંડલનો સમાવેશ- ઉપાર્જન. ખૂબ જ ટૂંક સમયગાળા દરમિયાન ૧૫ સહયોગીઓની મદદથી ગુજરાતીલેક્સિકોનની ટીમે અમલ અને કુનેહપૂર્વકની બજાવણીથી આ ડિજીટલાઇઝેશનના કાર્યમાં જુદે જુદે ઠેકાણેથી સહયોગ મેળવી ભૂલ વગરનું આ કામ પૂર્ણ કર્યું છે. મહારાજા ભગવતસિંહજી, તેમનો શબ્દોનો આ અદ્ભુત ખજાનો આવતી પેઢી સુધી પહોંચી રહ્યો છે તે વાતનો મહારાજા ભગવતસિંહજી તેઓ ગર્વ અનુભવશે. ગુજરાતીલેક્સિકોની શરૂઆતની સરખામણીમાં, ભગવદ્વોમંડલના ચાહકો પોણા ત્રણ લાખ મુલાકાતીઓ થકી આગળ છે. અને તે ખૂબ પ્રચલિત પામ્યું છે. હવે અમે તેને ચિત્ર સ્વરૂપ આપવાનું વિચારી રહ્યા છીએ.

અમે આ શબ્દકોશોની શબ્દપૂંજી પ્રજા સમક્ષ રજૂ કરવામાં નિષ્ણાતોની સહાય લઈ રહ્યા છીએ. ભાષા એ તો વહેતી નદી છે અને અમારી એવી મહેચ્છા છે કે ગુજરાતીલેક્સિકોન સમકાલીન જ્ઞાનને રજૂ કરતું રહે. મારે તો આજની અને ગઈકાલની ભાષાને અનુસરાવવી છે.
ગુજરાતીલેક્સિકોન વિચારપ્રક્રિયાઓનું વહન કરતું રહે. સરકાર કે જાહેર જનતાને અમે મદદ કરતા રહીએ અને ગુજરાતી ભાષાના ભાષાંતર માટે માળખું બની રહીએ. અમે વિદ્યાર્થીઓને નીતનવા પ્રયોગો કરવાનું આહ્વાહન પૂરું પાડીએ. ગુજરાતીલેક્સિકોન આધુનિક ટેકનોલોજીનું સંવર્ધન કરે અને ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપતું રહે. હાલમાં પાંચ સારસ્વતો અમને પોષણ આપી રહ્યા છે તે અમારું સદ્ભાગ્ય છે.

આપ સૌ સમક્ષ આટલી વિગત રજૂ કરવાની મને તક આપી તે માટે અને આપે મારા કામને જે રીતે બિરદાવ્યું તે બદલ અંતઃકરણથી સૌનો આભાર માનું છું.

–રતિલાલ ચંદરયા

No Response to “ચર્તુથ વિશ્વ ગુજરાતી સમાજના સંમેલન વખતે શ્રી રતિલાલ ચંદરયાને અર્પણ કરાયેલા સન્માન વેળાનો તેમનો પ્રત્યુત્તર :૨૩-૦૧-૨૦૧૦ અમદાવાદ” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment